અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ વ્યાસ/પંખી


પંખી

જગદીશ વ્યાસ

અમસ્તી ચાંચ ત્યાં બોળીને ઊડી જાય છે પંખી,
અને આખા સમંદરને ડહોળી જાય છે પંખી.

નહીંતર આટલી સાલત નહીં માળાને એકલતા,
પરંતુ ક્યાં કદી પીંછુંય મૂકી જાય છે પંખી?

ટહુકી જાય છે મારા નીરવ અસ્તિત્વની ભીંતો,
જો મારા આંગણે ક્યારેક આવી જાય છે પંખી.

કુંવારાં સ્તન સમાં ફાટી જતાં ડૂંડાં ઝૂમી ઊઠે,
કદી એકાદ પણ દાણો જો તોડી જાય છે પંખી.

મને મન થાય છે કે લાવ પંપાળું જરા એને,
પરંતુ એ પહેલાં રોજ ઊડી જાય છે પંખી.
(પાર્થિવ, ૧૯૮૪, પૃ. ૨)