અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જન્મદિવસ

From Ekatra Wiki
Revision as of 01:31, 18 June 2021 by Jayprakash12345 (talk | contribs) (Jayprakash12345 moved page જન્મદિવસ to અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જન્મદિવસ without leaving a redirect)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

પૃથ્વી


અનંત યુગ ઊતર્યા, હજી અનન્ત આવી જશે!
સુઅલ્પ જીવની શી ત્યાં કથનયોગ્ય કા’ણી હશે?
અનેક યુગ ને ક્ષણો થઈ રમી નિરાળો રમે.
પ્રવાસ નિજ ખેપતાં નિજ શું ગાન-આનંદ લે. ૧

અપાર સુખ સંપડ્યાં, વિપત વેઠી વંઠી ગયો,
તથાપિ રમતો સદા, ઉભય પાર ઊભો રહ્યો,
યુવા, રસિક, બાલ કે તરુણ, વૃદ્ધ, ભોગી, યતિ,
ન દુઃખ, સુખ ના કહીં;–નિજશું નિજની એ રતિ. ૨

ન દાહ હૃદયે કશો, નયનમાં ન આંસુ વસે,
ન બુદ્ધિ લથડે કહીં, નથી ઉપાધિ ઇચ્છામિષે;
રડે કહીં પડે દુઃખે મનથી પાછલાને સ્મરી,
ન એ કૃપણતા ભરી, ન લઘુતા, સ્વઉરે જરી; ૩

ન ફાંસ નડતી કશી, ન મનમાં ઉછાળો કશો;
અપાર તિમિરે હોરો પ્રકટ હાથ આવી વશ્યોઃ
અગાધ સમતા જડી વિકટ જાલ મમતાની માં,
ખરે! ગયાં વરસ તે ન કદીયે જણાયે ગયાં! ૪

સ્વરૂપ સમજે ન તે અરૂપમૃત્યુમાં આથડે,
સ્વરૂપ રમતે ગયાં વરસ તે ફરી છો જડે,
હજાર હજી નીકળે, ક્ષણ ન એક વા ઊગરે,
જીવ્યું જીવન જીવવું–અધિક, સાર્થ, સાનંદ, છે.