અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયંતીલાલ સોમનાથ દવે/આપણા મલકમાં

From Ekatra Wiki
Revision as of 11:34, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> આપણા મલકમાં માયાળુ માનવી, {{space}}માયા મેલીને જાવું, મારા ભાઈબંધ! આપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આપણા મલકમાં માયાળુ માનવી,
         માયા મેલીને જાવું, મારા ભાઈબંધ!
આપણા મલકમાં ગરવો ગિરનાર છે,
         દેરે દેરે દેવ બેઠા, મારા ભાઈબંધ!

આપણા મલકમાં રતનાગર સાગર,
         ખારવા સમદર ખેડે, મારા ભાઈબંધ!
આપણા મલકમાં આંબાનાં ઝાડવાં,
         કેરીમાં કેસર ઘોળ્યાં, મારા ભાઈબંધ!

આપણા મલકમાં પાણિયાળાં ઘોડલાં,
         અસવાર આડો આંક, મારા ભાઈબંધ!
આપણા મલકમાં પંખીરાજ મોરલો,
         પીંછડે ટાંક્યા હીરા, મારા ભાઈબંધ!

આપણા મલકમાં ગામેગામ ખાંભીયું,
         મરી જાણ્યું મુછાળે, મારા ભાઈબંધ!
આપણા મલકમાં રાસ્યુંની રમઝટ,
         જોબનનાં નીર જાય હેલે, મારા ભાઈબંધ!