અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયંતીલાલ સોમનાથ દવે/ચણોઠડી

ચણોઠડી

જયંતીલાલ સોમનાથ દવે

વનની વાટે તે રંગ લાલ રેલ્યાં,
         ચણોઠડી કોણે વાવી રે લોલ?

વગડે મનડાં રમતાં મેલ્યાં,
         ચણોઠડી ક્યાંથી આવી રે લોલ?

એના હિંગળોકિયા હૈયામાં કે,
         સિંદૂર કોણે સીંચ્યા રે લોલ?

સીમને સૂને મારગડે કો’ક તે,
         કસબી ભૂલો પડ્યો રે લોલ?

વગડે વશ રહ્યું નહીં મન કે,
         જીવડો લ્હેરે ચડ્યો રે લોલ.

પાગલે પથ્થરનાં કાળજાં કોર્યાં,
         ને મેંદી મૂકી દીધી રે લોલ.

લાલઘૂમ મોતીના કંઠમાં કાળી કે,
         રુશનઈ આંકી દીધી રે લોલ.

ભમતાં ભુલાયેલી વનવાટે કે,
         કેસર કંકુ વેર્યાં રે લોલ.

મારગે જાતાં જાતાં મોજીલે કે,
         મબલખ મોતી ખેર્યાં રે લોલ.

વનની વાટે તે રંગ લાલ રેલ્યાં,
         ચણોઠડી કોણે વારી રે લોલ?

વગડે મનડાં રમતાં મેલ્યાં,
         ચણોઠડી કોણે વાવી રે લોલ?