અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયંતી પરમાર/પુનર્જન્મ


પુનર્જન્મ

જયંતી પરમાર

બાપુને શોધું છું
મહાત્મા ગાંધીને શોધું છું
તમે કહ્યું હતું
પુનર્જન્મનું,
જન્મશો તો હરિજનને જ ઘેર
ફરી અવતાર લેશો.
તેથી જ,
બાપુને શોધું છું
મહાત્મા ગાંધીને શોધું છું
ખબર પડતી નથી કે,
જેની જમીન ઝૂંટવાઈ છે તે તમે છો?
જેની પર હુમલો થયો છે તે તમે છો?
જે કૂવેથી પાણી વિણ પાછાં ગયાં ને
જેનો બહિષ્કાર થયો છે તે તમે છો?
બોલો બાપુ ક્યાં તમે છો?
ઝાંઝમેર, મીઠાઘોડા, રણમલપુરા, બેલછી, બિહાર કે આંધ્રમાં
તમે છો ક્યાં વસ્યા?
કયા દલિત ઘરમાં જન્મ્યા?
બાપુ પ્રગટ થાઓ
ભૂલમાં તમે રહેંસાઈ ન જાઓ
તેની જ ચિંતામાં ફરું છું,
બાપુને શોધું છું
મહાત્મા ગાંધીને શોધું છું.