અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયદેવ શુક્લ/તારો પ્રતિસ્પર્ધી


તારો પ્રતિસ્પર્ધી

જયદેવ શુક્લ

ગૌમુખના જળમાં
હાથ બોળ્યો,
ઝબોળ્યો.
તે જ ક્ષણે
ખોવાયો મારો હાથ.
તેં પણ કહ્યુંઃ ‘ખોવાયો મારો હાથ.’

ગંગોત્રીમાં
ફરી હાથ ગુમાવ્યો,
તેં ને મેં.
આપણા પિતાએ ને દાદાએ પણ ગુમાવ્યા હતા.

પછી તો હૃષીકેશમાં
વારંવાર માથાભેર સ્નાન કર્યું.
કોઈ પાપ-મોચન માટે નહીં.
ને
હર કી પૌડી પર
ડૂબકી મારું છું,
જળનાં સ્પર્શ-સ્વાદ-સુગન્ધ-રંગ-નાદ
શરીરનાં રન્ધ્રેરન્ધ્રમાં...
જળમાં
કમરભેર ઊભો છું
સહસ્રબાહુ બની!
તારો પ્રતિસ્પર્ધી!
કવિ!
શબ્દસૃષ્ટિ, જુલાઈ, ૧૦