અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયા મહેતા/સૈયર હું તો

સૈયર હું તો

જયા મહેતા

સૈયર હું તો ગામને કૂવે પાણીડાં ગઈ'તી રે લોલ
કૂવાનાં તે જળ ઊંડાં કે સીંચણિયું પ્હોંચે નહીં રે લોલ.

સૈયર હું તો નાની સરવણીએ પાણીડાં ગઈ'તી રે લોલ,
સરવણીએ જળ આછાં કે ઘડૂલો કેમ ભરું રે લોલ?

સૈયર હું તો મોટા સરવરિયે પાણીડાં ગઈ'તી રે લોલ,
સરવરિયે ધોળા બગ કે કેવી છળી મરું રે લોલ!

સૈયર હું તો નદીયુંને ઘાટ પાણીડાં ગઈ'તી રે લોલ,
નદીયુંનાં જળ આઘાં કે તાપે બળી મરું રે લોલ.

સૈયર હું તો મીઠે વીરડે પાણીડાં ગઈ'તી રે લોલ,
વીરડાનાં જળ નીતર્યાં કે મુખડું જોયા કરું રે લોલ.

સૈયર હું તો જમુનાજીને કાંઠે પાણીડાં ગઈ'તી રે લોલ,
કાંઠે કાનુડાની વેણુ કે બેડલું છલ્લક ભરું રે લોલ.

(એક દિવસ..., ૧૯૮૨, પૃ. ૩૭)