અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપત પઢિયાર/ચાલ્યા કરે, કૈં નું કૈં!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ચાલ્યા કરે, કૈં નું કૈં!|દલપત પઢિયાર}} <poem> મન તારે મૂંઝાવું ન...")
(No difference)

Revision as of 11:33, 20 July 2021


ચાલ્યા કરે, કૈં નું કૈં!

દલપત પઢિયાર

મન તારે મૂંઝાવું નૈં!
જિંદગી છે, આમતેમ ચાલ્યા કરે, કૈં નું કૈં!
ઘરમાંની દાઝેલી વનમાં જ્યાં ગઈ
ત્યાં વનમાં પણ લાગેલી લા’ય
જઈ જઈને કેટલે આઘે જવું?
પડછાયો પાછો ના જાય
કહે છે કે અજવાળું સાથે આવે
બાકી બધું અહીંનું ઐ!
ઘેર જાય ઑફિસ ને ઘેર જાય નોંકરું
બળદની ડોકેથી ઊતરે ના જોતરું
સૂંઘે છે કોણ અહીં સાહેબ કે સિક્કાને
ચલણ તો ચોખાનું, બાકી બધું ફોતરું
સોનાની હોય તોય જાળ અંતે જાળ છે
માછલીને મરવાનું મૈં!
નાટક છેઃ જોયા કર!
સળંગ જેવું લાગે તોય
એમ જ ઊભી ભજવણી છે, જોયા કર!
અંકો, પાત્રો, દૃશ્યો, ડંકા, વેશ
બધી બજવણી છે, જોયા કર!
ખેલવું જો હોય ખરું, તો ભરાવી દે ખીંટીએઃ
ભાલો, બખ્તર, ઢાલ, ઘારણા બધું
ખોળ હોય ખુલ્લી કે વાળેલી
તારે ક્યાં ના’વાનિચોવાનું કૈં!
શરીર છેઃ તાવતરિયો, શરદીખાંસી, સાજુમાંદુ થાય
નોરતામાં નાયધુવે, પહેરેઓઢે, નાચેકૂદે, ગાય!
વડલા જેવું વસે છતાંયે વહેલું મોડું જાય
આવડે તો ઊંઘી જા,
નાભિથી, નાસિકા જેટલી નદી
દન્ન ગયો ડૂબી ને રાત પડી ગૈ!
ગુજરાત દીપોત્સવી, પૃ. ૪૫