અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપત પઢિયાર/પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું

Revision as of 11:54, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું |દલપત પઢિયાર}} <poem> ::: પાટ ઉપર દીવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું

દલપત પઢિયાર

પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું
ચાંદો સૂરજ ચોકી બાંધી નભ ચેતાવી બેઠો છું…

પવન બધા પરકમ્મા કરતા નવખંડ ધરતી ન્હાતી
દશે દિશાઓ મંગળ ગાતી છાયા સકલ સમાતી
આખા અક્ષત, અક્ષર આખા, વખત વધાવી બેઠો છું…

નહીં પિંડ બ્રહ્માંડ નહીં, નહીં પુરુષ નહીં નારી
ઝીલે બુંદ કોઈ બાળકુંવારી, બીજમાં ઊઘડે બારી
સ્તંભ રચી બાવન ગજ ઊંચે બાણ ચડાવી બેઠો છું…

ચડ્યા પવન, કંઈ ચડ્યા પિયાલા; જ્યોત-શિખાઓ ચડી
ખૂલ્યાં કમળ ને ખીલી ઘટાઓ અનહદ નૂરની ઝડી
ઓહિંગ સોહિંગ સોબત શૂનગઢ શિખર સજાવી બેઠો છું…

નહીં ઉદય કે અસ્ત નહીં, નહીં વાયક નહીં વેળા
જળ, સ્થળ, ગગન, પવન નહીં પંખી, નહીં મંડપ નહીં મેળા
નાંગળ નાખી ગંગાજમુના ઘેર વળાવી બેઠો છું.
પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું…
(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૮, સંપા. જયદેવ શુક્લ, પૃ. ૯)