અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દાન વાઘેલા/વીર મેઘમાયાએ ગાવા ધારેલું એક ગીત


વીર મેઘમાયાએ ગાવા ધારેલું એક ગીત

દાન વાઘેલા

જીવતર જીવ્યાં તાણેવાણે!
સાળ વચાળે શ્વાસ ગૂંથતા, હરદમ હરિનાં ગાણે!

જીવતર જીવ્યાં તાણેવાણે!...
ફળફળતાં જળમાં ઝબકોળી
કરમ-જુવારની કાંજી!
સૂતરને તરણીથી જ તાણી
અંજળ નીરખ્યાં આંજી!

ખપાટ ખસતી જાય ખટાખટ, ખરાં ખોળિયાં ટાણે!
કરમ-ધરમનાં લેખાં-જોખાં, ગુંજે પાણે-પાણે!

જીવતર જીવ્યાં તાણેવાણે...
અરધાં બાહર અરધાં ભોં-માં
રહ્યાં ચોફાળ સાંધી!
હૃદય-રાશનો રંગ ચડાવ્યો
રાખી મુઠ્ઠી બાંધી!

નિગમ-સારમાં નીતિ જીતી, મૂલ ન થાયે નાણે!
જોગી, યોગી, ધીર, વીર મેઘમાયો મસ્તી માણે!

સાળ વચાળે શ્વાસ ગૂંથતા...
જીવતર જીવ્યાં...
હયાતી, જૂન, પૃ. ૫