અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/એક વાર


એક વાર

દિલીપ ઝવેરી

એક વાર સાંભળ્યાં’તાં ગાતાં પતંગિયાં

તમરાંના સૂર સમો ઝીણેરો કંઠ ના
કે કોયલનો ઘૂંટેલો બોલ
ઝરણાંની ઘૂઘરી-શો લોલ અને સાથ મહીં
ઘાસ તણાં ફૂલનો હિલોળ

આમથી ને તેમથી
રમતા કંઈ પડઘાથી
વન વનનાં પાન પાન રંગિયાં
એક વાર સાંભળ્યાં’તાં ગાતાં પતંગિયાં.
(પાંડુકાવ્યો અને ઇતર, ૧૯૮૯, પૃ. ૪)