અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દુર્ગેશ ભટ્ટ/— (પથ્થરના મૌનની ગલીમાં...)


(પથ્થરના મૌનની ગલીમાં...)

દુર્ગેશ ભટ્ટ

પથ્થરના મૌનની ગલીમાં ચાલવું પડે,
આંખોમાં અંધકારને નિહાળવું પડે.

કોઈકની વ્યથા અને કોઈકનું હૃદય,
સૂનકારને આખર સુધી સંભાળવું પડે.

વેરાન રણ વિશે ઊગી જાય જો કુમાશ,
આંખોનું વ્યર્થ ઝાંઝવું જ માનવું પડે.

સૂને પરોઢ આંખથી જલકણ ખરી પડે,
ઝાકળનું રૂડું નામ એને આપવું પડે.

ઉત્સવ મચેલી રંગભરી મેદનીનું મુખ,
જલતી શમાએ રાતભર ઉજાળવું પડે.

મુક્તિનું આસમાન ઝંખતા આ જીવને,
શ્વાસોની દીવાલોમાં રહી મ્હાલવું પડે.