અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધ્રુવ ભટ્ટ/ઓચિંતું કોઈ મને રસ્તે મળે


ઓચિંતું કોઈ મને રસ્તે મળે

ધ્રુવ ભટ્ટ

ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે,
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે...
આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી,
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી;
સૂરજ તો ઊગે ને આથમીયે જાય
મારી ઉપર આકાશ એમનેમ છે...
ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે
અમે છલકાતી મલકાતી મોજ,
એકલો ઊભું ને તોય મેળામાં હોઉં
એવું લાગ્યા કરે છે મને રોજ;
તાળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે...



આસ્વાદ: મસ્તીપૂર્ણ મોજનો મહિમા – વિનોદ જોશી

કેટલીક વાર સાવ સાદી ભાષામાં પણ જીવનનું વિશિષ્ટ કહેવાય તેવું દર્શન કવિતા દ્વારા સાંપડતું હોય છે. કોઈ પ્રયુક્તિઓના ભાર વિના આવી વાત સહેલાઈથી આપણે ગળે ઉતારી દેવાનો કીમિયો બહુ ઓછા કવિઓને હસ્તગત હોય છે. ધ્રુવ ભટ્ટનું આ કાવ્ય વાંચતાં કોઈને પણ એમ લાગશે કે જીવનને મસ્તીથી માણવાનો મનસૂબો કોઈ પણ પરિસ્થિતિમાં કેવો તો પાર પાડી શકે તેનું સરળ છતાં સૂક્ષ્મ ગાન કવિએ અહીં કર્યું છે. કાવ્યની શરૂઆત વાતચીતથી થાય છે. કવિએ એક શ્રોતા સમક્ષ જાણે પોતાના દિલની વાત માંડી હોય તેમ કહી દીધું કે છે એ પ્રશ્નનો ઉત્તર શો હોય. રસ્તા પર કોઈ ઓચિંતુ મળી જાય અને તે મળી જનાર ધીરેથી પૂછે એટલી ઓળખ કે પ્રાશ્નિક વિશે કેટલીક વાતોને સ્પષ્ટ કરી જાય છે. જેના મળવાથી કોઈ અભિલાષા ન હોય તેનું મળવું ને તે પણ અચાનક એ પ્રક્રિયા જ રોમાંચકારી છે. વિશેષમાં એ વાત કરે છે તે ધીમેકથી કરે છે. વળી એ વાતમાં ‘કેમ છે?’ એવો પ્રશ્ન છે, ત્યારે આ આખોયે મામલો કોઈ આત્મીયતાને ઊંબરે આવીને ઊભો રહે છે. અને કવિ આ પ્રશ્નનો જવાબ એવી જ આત્મીયતાથી આપતાં પોતાની મોજ દરિયા જેવી અને ઉપરથી કુદરતના આશીર્વાદ એવી સ્થિતિનો હવાલો આપે છે. દરિયાને અંકુશમાં રાખવો શક્ય નથી, છતાં દરિયાને તેની પોતાની શિસ્ત છે. તેની ભરતી-ઓટનું ગણિત કદી ખોટું પડતું નથી, છતાં તેના મોજાંનો ઉછાળ જે મુક્તિ અનુભવે છે તેવી મુક્તિ બીજે ક્યાંય નથી. એટલે જ કવિએ પોતાના આનંદને દરિયા સાથે જોડી દીધો છે. હવે એ સ્પષ્ટ છે કે જીવનને સતત મોજથી જ માણતા રહેવાનું કવિનું વલણ છે, પણ દરેક વખતે તે માટે પરિસ્થિતિઓ એકસરખી હોતી નથી. કવિ આંખોમાં આવતાં અને જતાં પાણી એમ કહીને આંસુનો લાક્ષણિક સંદર્ભ આપીને સુખ અને દુઃખની આવનજાવનને સરસ રીતે તાકે છે, પણ ઉમેરે છે કે ભીતરની ભિનાશ લગીરે ઓછી થતી નથી. કાંઠે આવીને વિખરાઈ જતાં મોજાઓનો હિસાબ કાંઠાઓ રાખે તો રાખે, પણ દરિયાને તેની કશી પરવા હોય નહીં. દરિયાનું કામ તો મોજથી છલકાવાનું છે. કવિએ પ્રારંભથી જ દરિયા સાથે પોતાના આનંદનો જે સંદર્ભ જોડી દીધો તે અહીં વધુ વિસ્તાર પામે છે. સતત બેહિસાબ ઘૂઘવતા રહી પોતાના સમગ્ર અસ્તિત્વને છેક કાંઠા લગી પ્રસરાવતા રહેવાની ફાળ દરિયાનાં મોજાંમાં જ હોય અને એવું કંઈક પોતાને અનુભવાય છે તેનો હિસાબ આ પંક્તિઓ આપી રહે છે. હવે કવિ દરિયા પરથી નજર સેરવતા જઈ છેક ક્ષિતિજ સુધી વિસ્તારે છે અને ત્યાં દેખાતા ઊગતા કે આથમતા સૂરજને જોતાં જ એક તારતમ્ય સુધી પહોંચી જાય છે. કહે છે કે સૂરજ તો ઊગે અને આથમે પણ આકાશ તો એમનું એમ અવિચળ હોય છે. જીવનમાં નિરંતર આવતી ને જતી અનેક પ્રકારની અનુભવસૃષ્ટિને કવિ અત્યંત સહજભાવે લે છે અને પોતાને તો નિરપેક્ષ કે કશું લાગતુંવળગતું જ ન હોય તેવી તટસ્થતાથી ફરી નવાનકોર સ્વરૂપે નિહાળી રહે છે. મૂડી તો શી હોય? જેનાં ખિસ્સાં જ ફાટેલાં હોય તેની પાસેથી એ અપેક્ષા રાખવી વધારે પડતી છે, પણ કવિ એમ કંઈ પોતાની જાતને નીચી પડવા દે તેમ નથી. લગીરે ગરીબ કે કંગાળ નહીં હોવાનો તર્ક આપીને કવિ પોતાની તવંગરતા સાબિત કરી આપે છે. કહે છે કે જે કંઈ મૂડી છે તે આ મોજની જ મૂડી છે. એ કદીયે વાપરવાથી ખૂટતી નથી. એ સદા સંવર્ધિત જ થયા કરે છે. આ મોજ પોતાની એકાકી મસ્તીની છે. એકલા રહીને પણ જાણે મેળાનો અનુભવ કરતા હોય તેવી જાત સાથેની સાહ્યબી છે. એવું નથી કે એટલો માણસ એકલો જ હોય છે મેળામાં હોય તે માણસ ઘેરાયેલો જ હોય. કવિ હરીન્દ્ર દવેના એક કાવ્યની પંક્તિ છે: ‘મેળો આપો તો એક માનવીની સંગ
અને એકલતા આપો તો ટોળે.’ મેળો અને એકલતા સાપેક્ષ બાબતો છે. ક્યારેક એક જ વ્યક્તિ મેળાનો અનુભવ કરાવે છે અને ક્યારેક સમૂહની વચ્ચે હોઈએ તો પણ એકલા જ હોવાનો અનુભવ થાય છે તે આપણે જાણીએ છીએ. કવિએ તો અહીં પ્રતીતિપૂર્વક કહી દીધું છે કે પોતે રોજ રોજ એકલા છતાં જાણે મેળામાં હોવાનો અનુભવ માણે છે. આમ બને છે તેનું કારણ એ છે કે કવિનો સઘળો વૈભવ સાર્વત્રિક છે. એ કશા પર કવિએ પોતાની સત્તા વિસ્તારી નથી. કોઈ સકંજો ફેલાવ્યો નથી. જે કંઈ છે તે પોતાનું છે એટલું જ સહુનું છે. કવિ કહે છે તો એમ કે આ વૈભવ એમનો પોતાનો છે પણ તેને પોતે તાળું મારી દીધું નથી એવી જાહેરાત જ એ સામગ્રી પર સહુ કોઈનો અધિકાર સ્થાપી દે છે. અહીં ‘પટારી’ શબ્દ બહુ લાક્ષણિક રીતે વપરાયો છે. આ શબ્દ ખુદ તેનું નાનકડું માપ સૂચવે છે. જે કાંઈ જરૂરી છે તે કેવળ આટલું ઓછું હોય તોપણ પર્યાપ્ત હોય તેવો સંતોષ અહીં વગર કહ્યે છલકાય છે. આ પટારીમાં જે ખજાનો ભર્યો છે તે હેમખેમ હોવાનું નિવેદન જાણે આ સંતુષ્ટિમાંથી જ પ્રગટે છે તેમ કહી શકાશે. નિસર્ગના ખોળે સાંપડતા આનંદને ફૂટપટ્ટીથી માપીને તેના લેખાંજોખાં માંડવાનો કોઈ પ્રપંચ કવિને પરવડતો નથી. એમને તો કુદરતની રહેમ તળે જે કંઈ સાંપડ્યું છે તેને લૂંટવું અને લૂંટાવવું એ જાણે જીવન કર્તવ્ય છે. દરિયાના કાંઠાનું માપ નીકળે, પણ મોજાંનો આકાર નક્કી કરવો મુશ્કેલ છે, એને તો એની મસ્તીમાં જ અવલોકી શકાય. અહીં કવિ જાણે એ મસ્તીનો જ પર્યાય બનતા હોય તેમ કાંઠાના હિસાબો પરહરીને મોજનો મહિમા કરે છે.



આસ્વાદ: નફિકરાઈનું પ્રસન્નકર ગીત – ઉદયન ઠક્કર

‘સમુદ્રાન્તિકે’ અને ‘અકૂપાર’ જેવી નવલકથાઓના રચયિતા ધ્રુવ ભટ્ટનું આ ગીત છે. કોઈ પૂછે, ‘કેમ છે?’ અને આપણે કહીએ ‘મજામાં.’ એ થયો શિરસ્તો. કાવ્યનાયકે જરા વિગતે આપેલો જવાબ આપણા હૈયે વસી જાય એવો છે: ‘દરિયા-શી મોજમાં’. મોજ એટલે મસ્તી અથવા દરિયાનું મોજું. કવિએ બન્ને અર્થનો લાભ ઉઠાવ્યો છે. ‘ઉપરથી કુદરતની રહેમ છે’, ઉપરથી એટલે વધારામાં, અથવા ઉપર વસતા ઈશ્વર પાસેથી. અહીં પણ બેય અર્થનો લાભ લેવાયો છે. નિત્ય પ્રસન્ન રહેવું, મસ્તીમાં રહેવું એ કાવ્યનાયકનો સ્વભાવ છે. તે જીવન પ્રત્યે કૃતજ્ઞતા પ્રકટ કરે છે. ‘આપણે તો કહીએ’ – બેફિકરાઈ આવી જવાથી નાયક પોતાનો ઉલ્લેખ બહુવચનમાં કરી બેસે છે.

ખીસામાં નાણાં ન હોવાનો હરખ-શોક નથી કાવ્યનાયકને – અરે, ફાટેલું ખીસું સિવડાવવાનીયે દરકાર નથી. તેમણે ચોરખીસામાં ખુશાલી રાખી છે. ‘છલકાતી’ પછી પ્રાસવશ ‘મલકાતી’ આવે છે. ખુશાલી છાની ન રહે પણ છલકાય (પંડ્યમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી – મકરંદ દવે). હૈયાની પટારી તાળાનકુચાથી વાસેલી ન હોવા છતાં ખુશીનો ખજાનો હેમખેમ છે. આ ધન એવું છે જેને તસ્કરો ચોરી ન શકે, રાજા પડાવી ન શકે, ભાઈઓ ભાગ ન માગી શકે, જેનો ભાર પણ ન લાગે (ન ચૌર ચોર્યં, ન ચ રાજહાર્યં, ન ભ્રાતૃભાજ્યં, ન ચ ભારકારિ). ઓલિયાપણાથી મકરંદ દવેએ પણ ગાયું છે:

ઉપરવાળી બૅંક બેઠી છે, આપણી માલંમાલ

નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ!

કાવ્યનાયકને પોતાની ‘કંપની’ છે, તેમને એકલું શું કામ લાગે? કોવિડના ‘લૉકડાઉન’માં કેટલાંયને જાત સાથે રહેવાની, જાત સાથે સંવાદ કરવાની મજા આવી હતી. જીવનમાં સુખદુઃખ તો આવે અને જાય, પણ અંતરની કરુણા ન સુકાય. કવિ વિરોધાભાસ રચે છે – આંખેથી પાણી સરવા છતાં (આંસુ વહેવા છતાં), ભીતરની ભીનાશ ઘટતી નથી. આંતરિક સમૃદ્ધિ તો રત્નોના આકાર – સમુદ્ર જેવી છે, ઓટ આવતાં સુકાતી નથી, ભરતી આવતાં વધતી નથી. સૂરજ રોજ ઊગે ને રોજ આથમે, પણ આકાશ એમનું એમ રહે. આનંદ એ કાવ્યનાયકનો સ્થાયીભાવ છે. ગીતને પુન: જોઈએ. મુખડામાં કાવ્યનાયક પોતાનો ઉલ્લેખ શરૂઆતમાં એકવચનમાં (મને), અને પછી બહુવચનમાં (આપણે) કરે છે. પહેલા અંતરામાં એકવચન (મેં) પ્રયોજ્યા પછી, બે વાર બહુવચન (અમે, આપણો) પ્રયોજે છે. આ વિસંગતિ કહેવાય. મુખડામાં ‘કેમ છે?’ જેવો સવાલ શું કામ ‘ધીરેથી’ પુછાયો એ સમજાતું નથી. અંતતોગત્વા આ નફિકરાઈનું પ્રસન્નકર ગીત છે.

(‘હસ્તાક્ષર'માંથી)