અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નંદકુમાર પાઠક/વાયરા (તારો છેડલો તે માથે)

From Ekatra Wiki
Revision as of 10:46, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> તારો છેડલો તે માથે રાખ ને જરા {{space}}આ તો ચૈતર વૈશાખના વાયરા, {{space}}{{space}...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

તારો છેડલો તે માથે રાખ ને જરા
         આ તો ચૈતર વૈશાખના વાયરા,
                  તારી વેણીની મ્હૅક જાશે ઊડી હો
                           આ તો ચૈતર વૈશાખના વાયરા.
         અંગારા વેરતો તડકાનો તોર કૈં,
         અંગારા ઝીલતો આંખોનો તોર કૈં;

તારી આંખો અધૂકડી રાખ ને જરા
         આ તો ચૈતર વૈશાખના વાયરા,
                  તારી નજર્યુંનાં નીર જાશે ઊડી હો
                           આ તો ચૈતર વૈશાખના વાયરા.

ઊના એ વાયરાને પાલવમાં પૂર ના,
         ઊછળતા ઓરતા છે ઊના રે ઉરના;
                  તારા હૈયા પર હાથ અલી રાખ ને જરા
                           આ તો ચૈતર વૈશાખના વાયરા.

         તારા હૈયાનાં હીર જાશે ઊડી હો
         આ તો ચૈતર વૈશાખના વાયરા.

(લહેરાતાં રૂપ, પ્ર. આ. ૧૯૭૮, પૃ. ૧૩)