અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નયના જાની/અનહદ અપાર વરસે


અનહદ અપાર વરસે

નયના જાની

આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે;
હું કેટલુંક ઝીલું? અનહદ અપાર વરસે!

ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,
એ તો અકળ અમસ્તું બસ વારવાર વરસે!

ભીંજાઉં ન્હાઉં ડૂબું આઘે તણાઉં એવું,
આ નેહના ગગનનો સઘળોય સાર વરસે!

હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે!

છલકી જવાય એવું કે છોળ થઈ જવાતું,
ઘેઘૂરને ઘૂઘવતો એવો ખુમાર વરસે!
(અનહદ અપાર વરસે, ૧૯૯૯, પૃ. ૩૨)