અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/આંખની શી રીતભાત?

આંખની શી રીતભાત?

નલિન રાવળ

આંખની શી રીતભાત?
સખી, તું વાત કહે ભલી ભાત,
પલમાં ફોરાં શ્રવણીનાં જલ લોલમાં ઝૂલી
હેતની ખીલે કુસુમકલી,
પલમાં ગાઢાં આષાઢબાદલ છાઈ રહે, વળી
આગથી ભરી વીજ ઝબૂકી!
આંખની શી રીતભાત? — સખી તું.

પલમાં કેવી આતુર મને આંજવા તારી આંખ
કરે લખ વાનાં,
પલમાં આઘો દૂર ફંગોળી પૂછતી મને
કોણ છો અને ક્યાંના?
આંખની શી રીતભાત? — સખી તું.

પલમાં એવાં લાડ લડાવે,
નજરની ફૂલ હળવી એવી થપકી મારી
મનને મારા શુંય હુલાવે,
પલમાં તાતી તોછડી આંખે વેરતી
અગનઝાળથી રોમેરોમ જલાવે!
આંખની શી રીતભાત? — સખી તું.

(ઉદ્ગાર, ૧૯૬૨, પૃ. ૨૧)