અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/ત્રણ વાંદરા

ત્રણ વાંદરા

નલિન રાવળ

સાબરમતી આશ્રમના વૃક્ષ
ઉપર
બેઠેલ ત્રણ વાંદરા
પીઠ ખંજવાળતા વાતે વળગ્યા...
પહેલો વાંદરો બોલ્યોઃ
આંખ બંધ રાખે વર્ષો વીત્યાં
પણ
આંખ ઊઘડતાં જોયું તો
એનું એ જ ઓઘરાળું અમદાવાદ.
આ સાંભળી
બીજો વાંદરો બોલ્યોઃ
મોં બંધ રાખે વર્ષો વહ્યાં
પણ
મોં ખોલતાં જ અવાજ સર્યો
આખું શ્હેર ભ્રષ્ટ છે.
આ સાંભળી
ત્રીજો વાંદરો બોલ્યોઃ
કાન બંધ રાખે વરસોનાં વરસ ગયાં
પણ
કાન પરથી હાથ ઉપાડતાં જ
જોઉં-સાંભળું
ભારે કોલાહલ
વચ્ચે
ઇન્કમટૅક્સ પાસે
સ્હેજ શરીર નમાવી ઊભેલ
ગાંધીજી બોલી રહ્યા છે —
બૂરું જોવું નહીં
બૂરું બોલવું નહીં
બૂરું સાંભળવું નહીં.
પરબ, ઑક્ટોબર