અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/અવકાશને માનવતાથી મઢીશ હું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અવકાશને માનવતાથી મઢીશ હું

નિરંજન ભગત

અરધી સદી પૂર્વે ગૌરીશિખરે ચઢ્યો,
ત્યારે મેં તને હિમાદ્રિને મારા પદચિહ્નથી મઢ્યો;
ઉન્નત જે ઊર્ધ્વ મસ્તકે ઊભો યુગોથી દૃઝ, તું ન ખસ્યો,
છતાં મને તારા મસ્તક પરનુ માનવછોગું કહીને તું મને હસ્યો;
પદક્રાન્તા એવો તું જાણે કે મારું દ્યૌ ખૂંદનારનું પદચિહ્ન લૂછી રહ્યો,
અને મસ્ત થૈને મને ભલા માનવને તું પૂછી રહ્યો:
‘કહે હવે, માનવ, ક્યાં ચઢીશ તું?’
આ તારી ગૌરવગાથા ક્યાં લગી પઢીશ તું?
કાલીદાસે તને દેવતાત્મા નગાધિરાજ કહી લડાવ્યો,
પછી કૈંક કવિઓએ તને મોઢે ચઢાવ્યો;
ભારતવાસીઓ માટે તું પરમ ચરમ પવિત્ર ધામ હશે,
એ સૌના જીવનની ચરિતાર્થતા જેવું,
સૌના કવનની કૃતાર્થતા જેવું,
તું એ સૌને માટે પૃથ્વી પરનું પૂર્ણવિરામ હશે.

પણ મારા વિસ્મય અને આશ્ચર્યને કોઈ આરો નથી
મારા કૌતુક અને કુતૂહલને કોઈ ઓવારો નથી;
મારા સ્વપ્ન અને સાહસને કોઈ વિશ્રામ નથી,
મારા પરાક્રમ અને પુરુષાર્થને કોઈ પૂર્ણવિરામ નથી.

હું અકલ્પ્ય અતીતમાં જલની સીમાને ભેદી
ભૂમિ પર વસ્યો ને સત્ય-સુન્દરની સહાયથી વિકસ્યો,
આજે હવે હું પૃથ્વીની ભ્રમણરેખાને છેદી
અકલ્પ્ય કો અનાગતમાં અવકાશમાં ખસ્યો.

તુંથી તો શું, સ્વયં આ પૃથ્વીથી પણ પર અને પાર
એવી આ છે મારી અવિરત, અવિશ્રામ જીવનયાત્રા દુર્દમ્ય, દુર્નિવાર;
તેં મને પૂછ્યું હતુંને: ‘કહે હવે, માનવ, ક્યાં ચઢીશ તું?’
હું માનવ, આજે તને કહું હવે અવકાશને માનવતાથી મઢીશ હું.

ઑક્ટોબર, ૨૦૦૩

  • સંદર્ભ માટે જુઓ ‘વસંતવર્ષા’માં ઉમાશંકરનું આ જ શીર્ષકનું કાવ્ય

(‘પરબ’, મે)