અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/હાથ મેળવીએ

From Ekatra Wiki
Revision as of 06:27, 26 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> લાવો તમારો હાથ, મેળવીએ (કહું છું હાથ લંબાવી)! કહો શું મેળવી લેવું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

લાવો તમારો હાથ, મેળવીએ
(કહું છું હાથ લંબાવી)!
કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલુંયે —
ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે…
શું શું નથી હોતું તમારા હાથમાં?
મારે કશાનું કામ ના,
ખાલી તમારો હાથ…
ખાલી તમારો હાથ?
ના, ના, આપણા આ બેય ખાલી હાથમાંયે કેટલું છે!
આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો —
અરે, એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ,
અને બિનઆવડત સારું નઠારું કેટલુંયે કામ કરતા
આપણા આ હાથ કેળવીએ!
અજાણ્યા છો? ભલે!
તોયે જુઓ, આ હાથ લંબાવી કહું,
લાવો તમારો હાથ, મેળવીએ!

(છંદોલય, પૃ. ૨૩૯)