અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીતિન વડગામા/કેટલી જાહોજલાલી ભોગવું છું!


કેટલી જાહોજલાલી ભોગવું છું!

નીતિન વડગામા

આંગણામાં એક પંખી રોજ ગાતું,
કેટલી જાહોલાલી ભોગવું છું!
હરપળે ને હરસ્થળે બસ એમ થાતું,
કેટલી જાહોજલાલી ભોગવું છું!

ભલભલા એ પંડિતો પણ પામવા જેને
કરે છે કૈંક યુગોથી મથામણ,
એ મને એકાદ-બે પળમાં પમાતું,
કેટલી જાહોજલાલી ભોગવું છું!
સાવ પંગુ પગ ભલે બેચાર ડગ ચાલી શકે ના
તોય મનની બે’ક પાંખે,
છેક પર્વતટોચ લગ પ્હોંચી જવાતું,
કેટલી જાહોજલાલી ભોગવું છું!
આંખના અણસારમાંથી આમ સગપણનું પગેરું
સ્હેજ પણ મળતું નથી ને,
આમ એ નખશિખ પાછું ઓળખાતું,
કેટલી જાહોજલાલી ભોગવું છું!
ચોરપગલે કોઈ રોજેરોજ આવીને
અકારણ સાવ ઢોળે છે પરંતુ,
આપમેળે પાત્ર એ આખું ભરાતું,
કેટલી જાહોજલાલી ભોગવું છું!
આમ ઊકલતો નથી કેમે કરી
એકેય અક્ષર આ ઉઘાડી આંખથી પણ,
બંધ આંખેથી બધું વાંચી શકાતું,
કેટલી જાહોજલાલી ભોગવું છું!
કોઈ આવીને જ પકડાવે કલમ,
ને કોઈ આવી હાથમાં કાગળ ધરે છે.
કૈંક આપોઆપ મારાથી લખાતું,
કેટલી જાહોજલાલી ભોગવું છું!
ગુજરાત દીપોત્સવી, ૨૦૧૪