અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીરવ પટેલ/દલિત દધીચિ

Revision as of 12:22, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દલિત દધીચિ|નીરવ પટેલ}} <poem> લો, મારી પૂંછડિયે પેટાવો આગ, તમને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દલિત દધીચિ

નીરવ પટેલ

લો, મારી પૂંછડિયે પેટાવો આગ,
તમને આ સ્વર્ણપુરી સળગાવી આપું,
મારા ગંડસ્થળમાં ભરો દારૂ;
તમને બધું બેફામ રંજાડી આપું
મારા હાડકાંનો ભૂકો કરી ભેળો કરી ફોસ્ફરસ
ને છાંટો ગુલાલની જેમ એમના શ્વેત ચહેરાઓ પર
કે તાણો ત્રિપુંડ એમના કપાળે,
મારા શબ્દે શબ્દને નિચોવી
કાઢો લીલા-કાચ ઝેરનો કટોરા
ને અભડાવી દો ગંગાજળની ઝારી.
હવે મારી કલમના કકડે કકડા કરી કાઢો –
એ ભેરુભંગ સારસીની જેમ સતત આક્રંદ કર્યા કરે છે.
લો, મારા વહાલા ભાંડુઓ, મારું સઘળું સ્વાર્પણ:
મારા અસ્થિમાંથી બનાવો વજ્ર કે બનાવો કવચ
હું જાતનો ચમાર,
જીવતે જીવત બીજું તો શું કરી શકું?
તમે કહો તો બે-ચાર ધોળિયાના ઉકેલી કાઢું ચામડા
બે-ચારના ફોડી કાઢું પેટ
કે ચઢિયાતું મીઠું નાખી હાલ્લીમાં બાફી આપું એકાદનું
કાળજું.
મારાથી નથી જીરવાતાં આ રુધિર
આ રુદન
આ ચીસો,
આ ભડકા.
(‘બહિષ્કૃત ફૂલો’ પૃ. ૪૪)