અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીરવ પટેલ/મારો શાંમળિયો


મારો શાંમળિયો

નીરવ પટેલ

મારા શાંમળિયે મારી હૂંડી પૂરી —
નીકર ગગલીના ગવનનું આંણું શેં નેંકળત?

ચાવંડાની બાધા ફળી
ને જવાનજોધ ગરાહણી ફાટી પડી…
એની ઠાઠડીને ઓઢાડ્યું રાતું ગવન!
રાતીચોળ ચેહ બળે
ને આકડાના છોડે રાતું ગવન લહેરાય!
ગગલીની મા તો જે મલકાય, માંરી હાહુ…
બસ, ડાઘુઓની પૂંઠ ફરે કે ધોડું હડડ મસાણે.
મારા ભંગિયાનોય બેલી ભગવાન!
(દલિત કવિતા, ૧૯૮૧, સંપા. ગણપત પરમાર, મનીષી જાની, પૃ. ૫૩)