અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/રસજયોત

રસજયોત

ન્હાનાલાલ દ. કવિ

એક જ્વાલા જલે તુજ નેનનમાં,
         રસજ્યોત નિહાળી નમું, હું નમું;
એક વીજ જલે નભમંડળમાં,
         રસજ્યોત નિહાળી નમું. હું નમું.

મધરાતના પહોર અઘોર હતા,
અન્ધકારના દોર જ ઑર હતા,
તુજ નેનમાં મોર ચકોર હતા;
         રસજ્યોત નિહાળી નમું, હું નમું.

અહા! વિશ્વનાં દ્વાર ખૂલ્યાં — ઊછળ્યાં,
અહા! અબધૂતને બ્રહ્મયોગ મળ્યા;
અહા! લોચન લોચન માંહી ઢળ્યાં;
         રસજ્યોત નિહાળી નમું, હું નમું.

દૃગબાણથી પ્રારબ્ધલેખ લખ્યા,
કંઈ પ્રેમીએ પ્રેમપથી પરખ્યા;
અને આત્માએ આત્મન્‌ને ઓળખ્યો;
         રસજ્યોત નિહાળી નમું, હું નમું.

(જયા-જયન્ત, નવમી આ. ૧૯૯૬, પૃ. ૧૧૧)




ન્હાનાલાલ દ. કવિ • રસજયોત • સ્વરનિયોજન: પારંપરિક • સ્વર: જનાર્દન રાવળ




આસ્વાદ: રસજ્યોત વિશે — જગદીશ જોષી

રસબ્રહ્મ અને શબ્દબ્રહ્મના અને જીવનમાં ધર્મપૂત ઉલ્લાસના ગાયક કવિવર ન્હાનાલાયના કૌતુકપ્રિય અને મસ્તવેગી વિપુલ સર્જનથી ગુજરાતી ભાષા ધન્યતા અનુભવે છે. શ્રી અનંતરાય મ. રાવળ જેવા ગરવા વિદ્વાન સાચું જ કહે છે: ‘કવિતાનાં ઊંચાં શિખરોને સ્પર્શી આવનારી રચનાઓ જેમના કાવ્યરાશિમાંથી અનલ્પ સંખ્યામાં મળે એવા છેલ્લાં સો વર્ષના અર્વાચીન યુગના ગુજરાતી કવિઓમાં એમનું નામ મોખરે મુકાશે.’

ન્હાનાલાલની સમગ્ર કવિતાપ્રવૃત્તિના અભ્યાસીએ એમની સર્જનવિપુલતાની અને એમના શબ્દમોહની અડખેપડખે એમની ઉક્તિઓમાંનું સૂત્રાત્મક લાઘવ મૂકી જોવા જેવું છે. ન્હાનાલાલે નાટકો લખ્યાં: પણ નાટકમાં અનુભવ આપ્યો કવિતાનો. એમનાં નાટકો કવિનાં નાટકો છે. એમના અતિપ્રસિદ્ધ નાટક ‘જયા-જયન્ત’માં આ ગીત જયન્તની ઉક્તિ રૂપે અપાયું છે.

આંખો તો હૃદયની ડોકાબારી છે. સુન્દરમ્ કહે છે: ‘બધું છૂપે, છૂપે નહિ નયન ક્યારે પ્રણયનાં.’ વેણીભાઈ પુરોહિત ‘એમાં આતમાનાં તેજ’ જુએ છે. આંખની આર્દ્રતા અને એનું તેજ બન્ને પ્રેમના સ્પર્શે એક જ્યોતની જેમ સળકી-ચળકી ઊઠે છે. આ જ્યોતને આ રસપ્રિય કવિ ‘રસજ્યોત’ કહે છે. બધા જ ધર્મો જ્યાં એકત્ર થઈ શકે એવો કોઈ જો વિરાટ અનુભવ હોય તો તે પ્રેમનો અનુભવ. ધર્મમાત્રનું જે મૂળ શ્રદ્ધાસન છે તે પ્રેમ નમન જ પ્રેરે.

આકાશમાં અંકાયેલી પ્રેમની અમરવેલ જેવી વીજળી મોહના અંધકારને ચીરીને પોતાની આભા સર્વત્ર પ્રસારી શકે, તેમ પ્રેમવિભોર આંખો આત્મના અઘોર અંધકારને પણ વિદારી શકે. ન્હાનાલાલને શબ્દો તો આપમેળે આવી મળતા. આ શબ્દોનો પ્રવાહ અને પ્રભાવ બીજી કડીમાં કેટલો સાહજિક રીતે પ્રગટ્યો છે! મ, ન અને ર જેવા રવાનુકારી વર્ણોની સાથે સાથે વીજળીની લકીરને જેમ આંખ ઘૂંટે તેમ પહોર-અઘોર, દોર-ઓર, મોર-ચકોર જેવાં આવર્તનો કાનથી ચાલતી કલમનું સાચું કૌવત દેખાડે છે.

‘નમું, હું નમું’ — આ બબ્બે વાર આવતા ‘નમું’ શબ્દના પ્રાણાયામના ‘હું’નું માત્ર નિર્ગલન નહીં, પણ ઊર્ધ્વીકરણ સધાય છે. એ જ પ્રમાણે ત્રીજી કડીમાં ‘અહા’ શબ્દ ત્રણ વાર પ્રયોજાયો છે. વર્ષોની કઠણ તપશ્ચર્યા પછી જેમ કોઈ અવધૂતને બ્રહ્મયોગ થાય, આત્મયોગ થાય ત્યારે હૃદયમાં જે ભાવ પ્રગટે તેને વર્ણવવા માટે વિસ્મય અને અહોભાવને પ્રગટાવવા માટે ‘અહા’ સિવાય બીજો ઉદ્ગાર પણ કયો મળે? પ્રેમનો અનુભવ જો સાત્ત્વિક હોય તો તે કેવળ વ્યક્તિમાં પુરાઈ રહેવાને બદલે એક નવા ભાવવિશ્વ સાથે અને વિશ્વની ભાવાર્દ્રતા સાથે અનુસંધાન સાધી આપે છે. જ્યારે ‘લોચન લોચન માંહી’ ઢળે, જ્યારે ‘પ્રાણ પ્રાણની રસકથા’ સરજાય, જ્યારે ‘લસ્ટ’નું ‘લવ’માં રૂપાંતર થાય ત્યારે તલ્લીનતાનો એક ઓમ્‌કાર ઊઠે છે અને એમાં આખોય વ્યોમાકાર સમાઈ જાય છે.

છઠ્ઠીના દિવસે પ્રેમનું પ્રારબ્ધ લખાય છે તે ‘કામબાણ’થી નહીં, પરંતુ ‘દૃગ્બાણ’થી. લોચનથી તે આત્મા સુધીની રસસમાધિનું નિર્માણ થાય છે નિર્મળ ચમકવાળી આંખોમાં. પ્રેમના પંથે પળેલા કોઈ આત્માને કોઈ એવા જ પ્રેમાત્માનો સહયોગ સાંપડે એ અવસર જ મનુષ્યમાત્રના નમનનો અધિકારી અવસર છે.

કવિશ્રી ન્હાનાલાલની શતાબ્દી પાસે ને પાસે આવી રહી છે ત્યારે ‘સ્વર્ગના સંદેશ’ જેવાં કલ્યાણકારી સ્તોત્રો આપનાર આ કવિ અને ઊર્મિગીતના સ્વરૂપને એની શક્યતાઓની પરાકાષ્ઠાએ પહોંચાડનાર આ કવિ આપણાં સૌનાં નમનનો વિરલ વૈભવ અધિકારપૂર્વક માણી શકે છે. ગુજરાતની પ્રત્યેક વ્યક્તિની ‘કીકીએ કીકીએ હિંડોળ’ ઝુલાવી શકે છે. (‘એકાંતની સભા'માંથી)