અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/શતદલ પદ્મમાં પોઢેલો

શતદલ પદ્મમાં પોઢેલો

ન્હાનાલાલ દ. કવિ

શતદલ પદ્મમાં પોઢેલો
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.
શોધ્યાં સરોવર, શોધી ફૂલવાડીઓ;
         શોધી રસકુંજ જ્યાં રમેલો;

શોધી આયુષ્યની મ્હોરી અમરાઈઓ,
         દીઠો ન દુનિયા ફોરેલો :
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.

ફૂલડે ફૂલડે વસન્ત શો વસેલો,
         પાંખડી પાંખડી પૂરેલો;
ભ્રમર ભ્રમર કીધ સંગીત સોહામણો,
         પંખીડે પંખીડે પઢેલો :
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.

અડધેરી પાંદડીઓ વીણતામાં વેરી, ને
         આસવ ઢોળિયો અમોલો :
હૈયાના ધૂપ સમો ઊડતો બતાવો કોઈ
         જીવનપરાગ જગતઘેલો :
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.
         શતદલ પદ્મમાં પોઢેલો
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.




ન્હાનાલાલ દ. કવિ • શતદલ પદ્મમાં પોઢેલો • સ્વરનિયોજન: પારંપરિક • સ્વર: અમર ભટ્ટ