અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/હો રણને કાંઠડલે રે

હો રણને કાંઠડલે રે

ન્હાનાલાલ દ. કવિ

પાછલી તે રાતનાં અજવાળિયાં રે:
ચંદનીથી ચીતર્યા સમીરઃ
         હો! રણને કાંઠડલે રે.

પંચાસરે તે પાંચ સરોવરો રે;
પુણ્યપાપ ચીતરેલાં નીરઃ
         હો! રણને કાંઠડલે રે.

ફૂદડીની ભાત ભલી દાખવતાં રે,
આભલાંથી ચીતરેલ વ્યોમઃ
         હો! રણને કાંઠડલે રે.

જાહોજલાલી જૂની ગુજરાતની રે,
ઇતિહાસચીતરેલી ભોમઃ
         હો! રણને કાંઠડલે રે.

રંક અને રાજવીની વાતલડી રે,
દુઃખસુખચીતર્યું અનિત્યઃ
         હો! રણને કાંઠડલે રે.

કાળ કેરા આંકડા ઉકેલતાં રે;
હર્ષશોકચીતરેલું ચિત્તઃ
         હો! રણને કાંઠડલે રે.

(ન્હાના ન્હાના રાસ-1)