અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્નાલાલ પટેલ/અનંગને

અનંગને

પન્નાલાલ પટેલ

અનંગ અબ ના રહ્યા દિવસ આગલા તાહરા
સમાલ અબ તો ટકે ન અભિમાન ઝાઝું. ભલે
પ્રમત્ત મદને વિશે તું મુજ વાત ના સાંભળે
પરંતુ ગુજરી હતી તુજ પરે – ન શું તે સ્મરે?–

હતો મદન તું સદેહ નમણો ભર્યો પૌરુષે,
ચખે વિલસતા વિલાસ, પડતાં મૃદુ પુષ્પ શાં
શરો નજરનાં, ઢળે તવ પદે જનો વજ્ર શાં
સહર્ષ – પણ રે શિવે પલકમાં કર્યો ભસ્મ તું!

છતાં જગત પે ફરી જ તવ આણ ને શાસનો!
પરંતુ શિવનોય તે શિવ હવે અહીં આવશે,
લડાઈ નવલી જગે, નવલ મૃત્યુ તારુંય તેઃ
તને લડવશે વળી નચવશે ચગાવ્યો જશે,
અહો મુરલી મોહિની મધુરવી તહીં વાજશે,
વિમગ્ન તુજને રસેશ હળવેકથી નાથશે.

૧૫-૧-’૫૮
(અલક-મલક, પૃ. ૨૪૪-૪૫)