અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/મારા રે હૈયાને તેનું પારખું

Revision as of 17:03, 23 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> ક્યારે રે બુઝાવી મારી દીવડી, {{space}}ક્યારે તજી મેં કુટિર. કઈ રે ઋતુન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ક્યારે રે બુઝાવી મારી દીવડી,
         ક્યારે તજી મેં કુટિર.
કઈ રે ઋતુના આભે વાયરા,
         કઈ મેં ઝાલી છે દિશ;
         નહીં રે અંતર મારું જાણતું.

કેવાં રે વટાવ્યાં વન મેં આકરાં,
         ઊંચા ઊંચા પહાડ;
કેમ રે વટાવી ઊભી માર્ગમાં
         અંધારાની એ આડ :
         નહીં રે અંતર મારું જાણતું.

વગડે ઊભી છે નાની ઝૂંપડી,
         થર થર થાયે છે દીપ,
તહીં રે જોતી મારી વાટડી
         વસતી મારી ત્યાં પ્રીત.
         મારા રે હૈયાને તેનું પારખું.

પડ્યા રે મારા પગ જ્યાં બારણે
         સુણિયો કંકણનો સૂર;
મૃદુ એ હાથો દ્વારે જ્યાં અડ્યા,
         પળમાં બંધન એ દૂર.
         મારા રે હૈયાને તેનું પારખું.

ફરીને કુટિરદ્વારો વાસિયાં
         રાખી દુનિયા બહાર,
પછી રે હૈયાં બેઉ ખોલિયાં
         જેમાં દુનિયા હજાર.
         મારા રે હૈયાને તેનું પારખું.

(બારી બહાર, પૃ. ૬૮-૬૯)