અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/વાતો

From Ekatra Wiki
Revision as of 17:13, 23 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> હજુ ધીમે ધીમે પ્રિય સખી! તહીં ઝાડ ઉપરે સૂતેલા પંખીને કથની જરી જો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

હજુ ધીમે ધીમે પ્રિય સખી! તહીં ઝાડ ઉપરે
સૂતેલા પંખીને કથની જરી જો કાન પડશે,
પ્રભાતે ઊઠી એ સકલ નિજને ગાન ધરશે :
કથા તારી મારી સકલ દિશ માંહી વહી જશે.

હજુ ધીમે! ઊભું મુકુલ તહીં જો પર્ણ-પડદે
છુપાઈને; તેને શ્રવણ કદી જો વાત પડશે,
સુવાસે તો ક્‌હેશે સકલ કથની એ અનિલને,
અને આ તીરેથી અવર તટ વાયુ લઈ જશે.

અને કૈં તારા જો, નભથી છૂટતા વાત સુણવા,
મૃદુ પાયે આવે શબનમ કરી કાન સરવા;
ઊભું છે આજે જો, જગ સકલ એકાગ્ર થઈને,
ઝરે તારે શબ્દે પ્રણયરસ તે સર્વ ઝીલવા.

પછી તો ના વાતો, પ્રિય-અધર જે કંપ ઊઠતો;
ધ્વનિ તેનો આવી મુજ હૃદય માંહી શમી જતો.

(બારી બહાર, પૃ. ૧૦૯)