અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/વિદાય

From Ekatra Wiki
Revision as of 17:16, 23 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> કદી નહિ કહું, ‘મને જ સ્મરણે સદા રાખજે, અને નયનપંથનું અવર વિશ્વ તુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કદી નહિ કહું, ‘મને જ સ્મરણે સદા રાખજે,
અને નયનપંથનું અવર વિશ્વ તું ત્યાગજે.’
પરંતુ ગગનાંગણે, અવનિમાં અને સિંધુમાં,
મળે અધિક જે તને મુજ થકી, ઉરે થાપજે.

પરસ્પર કરી કથા રજનિ ને દિનો ગાળિયાં,
અનેક જગતો રચી સ્વપનમાં, વળી ભાંગિયાં,
કઠોર થઈને કદીક તુજ આંસુ જોયાં કર્યાં,
કદીક તુજ ગોદ શીશ ધરી હીબકાં મેં ભર્યાં.

મળે અધિક ઊજળા દિન અને મીઠી રાતડી,
જજે સકલ તો ભૂલી રજનિ ને દિનો આપણ;
રચે સ્વપન ભવ્ય કો જગતનું બીજા સાથમાં,
ભલે વીસરજે પછી જગત આપણે જે ઘડ્યાં.

છતાં ય સ્મરણે ચડી વિપળ એક જો હું લઉં,
ઉદાર તવ ઉરની પ્રથમથી ક્ષમા તો ચહું.