અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રાણજીવન મહેતા/ધૂળની ડમરી જેવો ફરું છું આ શહેરમાં


ધૂળની ડમરી જેવો ફરું છું આ શહેરમાં

પ્રાણજીવન મહેતા

કદાચ
ધૂળની ડમરી જવો ફરું છું આ શહેરમાં
કમ્મર કસીને ઊભો રહું
કે આગળ વધું
વિચાર કરવાની લગીરે ફુરસદ નથી
પેંતરા રચેલા રસ્તાઓ પર
ફરી વળું સોગઠી જેમ
અને અદૃશ્ય હાથ વડે ઠેલાઈ જાઉં ભૂગર્ભમાં
ધૂળની ડમરી જેવો ફરું છું આ શહેરમાં
તડકામાં સુકાતી માછલીઓ જેવી ઇચ્છાઓમાંથી
દુર્ગંધ આવ્યા જ કરે છે
છતાં અણગમો ચહેરા ઉપર
કેમેય ચીતરી નથી શકાતો
બત્રીસ-ચોત્રીસની ઉમ્મરને
કાખમાં લઈ ચાલું થોડું
ને પ ગના તળિયે ચોંટેલી હાંફ ફેફસામાં
પિંજરે પુરાયેલ ભવિષ્ય જોતું પંખી બોલે
તેવી ભાષા બોલવા લાગે છે
થોડો આગળ વધું છું ને કેવલ નિર્જન મેદાનો
વસેલાં દેખાય છે
થાય છે હસી લઉં કદાચ લીલું ઘાસ ઊગી નીકળશે
મેદાનોમાં.
ત્વચા ઉપરની નસોમાંથી કૂદી પડે અંધકાર
થોડો આગળ વધુ ત્યાં—
ચીસ પાડું?
કદાચ
કદાચ સૂર્ય ઊગી નીકળે.



આસ્વાદ: ‘કદાચ’નો વિસ્ફોટ આસ્વાદ્ય– રાધેશ્યામ શર્મા

સાર્ત્રના ‘શબ્દો ભરેલી પિસ્તોલો છે.’ કવિતા વિશે પણ આપણે શું કહીશું? કાવ્યકળા સ્વયં, કારતૂસ ભરેલી બંદૂકો સમી નથી? આમાં સમયની કિંમત છે. વખત આવ્યે એ ફૂટવી જ જોઈએ. ના ફૂટે તો ફજેતીનો ફાળકો થઈ જાય!!

કાવ્યરચનામાં સર્જનસમયની જેમ જ પઠનસમય (પ્રવેશેલો) છે.

પઠનની ક્ષણે, અથવા વધુ સાચું તો અનુભવાનક્ષણે તદ્દન ઉચિત શબ્દ (અથવા ક્યારેક વિરામ પણ) યોગ્ય અવકાશમાં પ્રકટી નીકળે તો સર્જકતા એવા સચોટ શબ્દ ગોળીબારથી શુદ્ધ ભાવક સાનંદ ઘાયલ થઈ જાય!

અહીં ‘કદાચ’ શીર્ષક પોતે જ એક કારતૂસ કે ગોળી જેવો શબ્દ છે! પદાવલિની સંરચનામાં આ ‘કદાચ’ શબ્દનો મહિમા ગ્રહી શકાય તો એની ચોટનો પ્રભાવ ચોક્કસ પામી શકાય. વાર્તામાં પૂંછડીએ ડંખ આવે એમ અહીં કાવ્યાન્તે ‘કદાચ’નો વિસ્ફોટ આસ્વાદ્ય બને છે.

શહેરમાં મનુષ્યની અવ-દશા રચનાની પ્રારંભિક ઉપમામાં સ્પષ્ટ છે: ‘ધૂળની ડમરી જેવો’… ડમરી ઘૂમરાયા કરે અને ગૂંગળાયા કરે. સૂઝબૂઝના દીવા રાણા થઈ જવાની દહેશત. વિચારના તત્ત્વથી વિ–દૂર થઈ પડાય છે. ‘ફુરસદ સે સોચેંગે’ જેવી હળવાશ-મોકળાશ ક્યાંયે શહેરોમાં નથી ડોકાતી. કમ્મર કસીને ઊભા રહી જવું કે આગળ વધવું? આગળ વધવું તો ક્યાં અને કઈ દિશામાં વધવું? ગતિને અહીં અવકાશ નથી.

ત્યાં શહેરને શેતરંજમાં પલટી આપતી બીજી ઉપમા પ્રવેશે છે પેંતરા રચેલા રસ્તાઓ પર ફરી વળું સોગઠી જેમ… મનુષ્ય અહીં એક કઠપૂતળું છે, કોઈ મોટી શેતરંજ બાજીનું સોગઠુંમાત્ર છે. ‘પેંતરા રચેલા’ પ્રયોગ આંટીઘૂંટીની આબોહવાનો પોતાનો સંકલ્પ જ નથી. હયાતી નથી. હેસિયત નથી. નાયકને સોગઠા તરીકે વાપરનારો દેખાતોપણ નથી એના જેવી પર–આધીનતા, પર–તંત્રતા બીજી કઈ? એ જે હોય તે આટલું તથ્ય નક્કર છે: અદૃશ્ય હાથ વડે ઠેલાઈ જાઉં ભૂગર્ભમાં…પણ દોસ્તોયેવ્સ્કી કે કાફકાનો કિંકર્તવ્ય નાયક ‘નોટ્સ ફ્રૉમ અન્ડરગ્રાઉન્ડ’ના આલેખ તો જ નવાઈ!

સોગઠીવાળી ઉપમા પછી પ્રારંભની બે નહિ પણ એક સળંગ લીટીમાં ‘ડમરી’ ભાવનસમયમાં પુનઃ દેખા દે છે: ધૂળની ડમરી જેવો ફરું છું આ શહેરમાં.

અહીં સુધી અગતિકતા, અનિર્ણાયકતા અને પરવશતાનો પરિવેશ ઘૂંટાઈને મુખરિત થયો ત્યાં ઉપમાના સ્વાંગમાં એક ઘ્રાણેન્દ્રિયલક્ષી કલ્પન (Olfactory-Image) પ્રસ્તુત થાય છે: તડકામાં સુકાતી માછલીઓ જેવી ઇચ્છાઓમાંથી દુર્ગધ આવ્યા જ કરે છે. છતાં અણગમો ચહેરા ઉપર કેમેય ચીતરી નથી શકાતો…

પણ એક અદના ભાવક તરીકે અહીં મારો અણગમો ચીતર્યા વિના નથી જંપી શકતો. ઉપર્યુક્ત ઉપમામાં તડકામાં સુકાતી માછલીઓ જેવી ઇચ્છાઓમાંથી દુર્ગધચીંધીને વ્યંજના કે લક્ષણાની સુગંધનું જાણે કે હરણ કરી કાઢ્યું. કોઈ પૂછી શકે કે રાવણ જો સુવર્ણનું હરણ કરી શકે તો એક સર્જક શું ના કરી શકે? ખેર,

હવે નાયક–કવિની ઉમ્મરની વાત: બત્રીસ–ચોત્રીસની ઉમ્મરને કાખમાં લઈ ચાલું થોડું…ઉમ્મરને કાખમાં તેડી લઈ ચાલવાની ક્રિયામાં માતૃભાવનું સૂક્ષ્મ ઇંગિત છે. અણગમો ચહેરા ઉપર ચીતરી નહિ શકતા નાયકની પુખ્ત ઉમ્મર છો ને કહી, હકીકતે તો એની કાખમાં વહી જવા જેવી જ મનોવય લાગે છે! આ કૃતિની ‘માસ્ટરપીસ’ પંક્તિ અને અન્ય મર્યાદાનો લોપ કરી અહીં પ્રગટ છે:

ને પગના તળિયે ચોંટેલી હાંફ ફેફસામાં
પિંજરે પુરાયેલ ભવિષ્ય જોતું પંખી બોલે
તેવી ભાષા બોલવા લાગે છે.

હાંફને પગતળિયે ચોંટેલી દેખાડતો ક્લોજ-અપ કર્યા અને પાછી તે હાંફ પિંજરાના બંદી પંખીની ભાષા બોલે – એ કલ્પન કવિની કલ્પનાશક્તિને સલામ ભરવા ઉશ્કેરે એવી છે. કલ્પન એક વિચિત્ર ચારુ કૉલેજનો અનુભવ અર્પે.

ભાવિ કાં’ક સારું ભળાયું હશે, થોડુંક આગળ વધવાનું ભાથું મળ્યું-ભળ્યું તો શું દેખાય છે? કેવળ નિર્જન મેદાનો! અહીં મેદાનો નિર્જન ખરાં પણ ‘વસેલાં વર્ણવી કમાલ કરી છે. આવી નિર્જન જગામાં સ્વાભાવિક છે કે ભયોને ભગાડવા હસી લેવાનો તુક્કો કદાચ કારગત નીવડે.

અહીંથી ‘કદાચ’નો કળાત્મક કસબ શરૂ થાય છે. આ કડીમાં: કદાચ લીલું ઘાસ ઊગી નીકળશે મેદાનોમાં. નિર્જન મેદાનોને લીલા ઘાસની હરિયાળી કલ્પનાથી સંભરી જોવાની ખેવના એકમેવ આશાકિરણ સમી ઝળકે છે, પણ ત્યાં તેમ ‘ત્વચા ઉપરની નસોમાંથી કૂદી પડે અંધકાર.’ હરિતવર્ણી આશાસૃષ્ટિ ફૂટી હૃદયમાં, પણ. નસોમાં અંધકાર છે એ કૂદી પડ્યા વગર જંપે? છતાં નાયક ગતિશીલ છે, ‘થોડો આગળ વધુ ત્યાં–

પણ પદસંરચનાની અને સંકુલ ભાવ–સ્થિત્યંતર સમેતની પરાકાષ્ઠા અંતે સ્ફોટક રીતિએ આમ વ્યક્ત થઈ છે:

ચીસ પાડું?
કદાચ
કદાચ સૂર્ય ઊગી નીકળે.

સહજ છે અંધકાર ફૂટી પડે એટલે ‘ચીસ’ પડાઈ જાય. પણ અહીં ‘કદાચ’ના બે પિસ્તોલ ગોળી જેવા આવર્તન બાદ કર્તાએ સૂર્ય ઊગી નીકળવાની અશક્યવત્ આશા તો વ્યક્ત કરી છે. (રચનાને રસ્તે)