અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રાણજીવન મહેતા/માણસ


માણસ

પ્રાણજીવન મહેતા

બાળપણમાં સાંભળેલ પરીકથાના શબ્દો હજુ યાદ છે…
કઈ લિપિ હતી એ શબ્દોની? એની જાણ હજુય થઈ નથી.
એક ગાઢ વન હતું.
સતત ઊંચે ને ઊંચે વધતાં જતાં આકાશગામી વૃક્ષો હતાં
અને ભરબપ્પોરે સૂર્ય અંધકાર શોધવા ઊંચી ડાળેથી
ડોકિયાં કરતો યાદ છે મને.
કદીયે ખરી ન પડનારાં ફૂલોની ટેકરીઓ અને ફેરફુદરડીની રમત
રમતો પવન.
એ બધુંય હતું — ના સંદર્ભમાં હું ક્યાં હતો?
આજેય હું મને એ સંદર્ભમાં શોધી રહ્યો છું.
બાળપણમાં સાંભળેલ પરીકથાના શબ્દો હજુય યાદ છે…
ગાઢ વન એનું એ જ છે આજેય.
ઊંચે ને ઊંચે વધતાં વૃક્ષોની હેઠે બેઠો રહું છું આજેય.
આ ફૂલો અને ટેકરીઓ બધું જ બધું છે આજેય એનું એ જ
પણ એ સંદર્ભમાં ક્યાં?
છે હવે દૃષ્ટિ સામે પેલો માણસખાઉ રાક્ષસ
બે દાંતની વચ્ચે જકડી લે મને ક્યારેક
અને હું ચીસ પાડ ઊઠું, કોને પૂછું
ક્યાં છે પેલો પોપટ જે અંધારી વાવના ગોખમાં
બેઠો હતો અને જેની ડોકમાં રાક્ષસનું મૃત્યુ ઊછરતું હતું.
ક્યાં છે આજે એ?
સંદર્ભ ખોઈ ચૂકેલો માણસ હવે હું —
અને પેલો પોપટ સમયની જેમ કોણ જાણે
ક્યાંય પાંખો ફફડાવી ઊડી ગયો છે.
(કાનોમાતર, ૧૯૭૯, પૃ. ૫૦)