અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/અશ્વ

અશ્વ

પ્રિયકાન્ત મણિયાર

વ્હેલી પરોઢેથી મચ્યો આષાઢનો વરસા,
ને આછી ઘણી છે આવજા રસ્તા ઉપર,
હું હોટલે ચાની હૂંફાળી બાષ્પને ચાહી રહું જ્યાં રોકવા
ત્યાં સ્ટૅન્ડ પર એકલ નિહાળું કોક ગાડી એકધારી
ક્યારની દદડી રહી,
ને એટલાં પલળેલ પેખું ચર્મના એ દાબડા
ઘેરા બન્યા અંધાર જેવા અશ્વની આંખો ઉપર
કે વ્યોમથી પડતું હજુ પાણી હવે પાછું પડે.
શોષાય ના;
બ્રશ સમી કાપેલ એની કેશવાળીની મહીં તો કેટલું ર્‌હે?
ધોધ જે પાણી પડ્યું એમાં ઘણું તો વહી ગયું
એ ઠીક,
નહીં તોક્યારનો ડૂબી ગયો એ હોત!
ને એય પણ કંઈ ઠીક જેવું થાત.

ને હજુ ઉપરાઉપર વરસી રહ્યાં આ વાદળાં,
લિસ્સી રુવાંટીની થકી લસરી રહ્યાં,
થોડાંક પણ એવાં ભરાયાં કાંધ પરના ભારમાં, સમાનમાં,
ને એટલે ચારે તરફ વ્યાપી વળ્યા આ શીતમાં
અકડઈ ગયેલું પુચ્છ, આખી કાય,
શું એકાદ ક્ષણ બસ અગ્નિની જ્વાળા સમું ધ્રૂજી ઊઠે;
નીચી નમેલી ડોક એવા એક ઊંડા કંપથી
ઊંચી થઈ ને શીઘ્ર પાછી એ ક્ષણે નીચી પડી,
અંગ આખાની મહીં વ્યાપી વળી લાચાર ત્યારે
અશ્વની શું યે વિમાસણ —
સૂર્યનો રથ જે વહે એ સપ્તમાંથી એક પોતે
ક્યાંથી અહીં આવી પડ્યો?