અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/ગીત એક ગાયું

ગીત એક ગાયું

પ્રિયકાન્ત મણિયાર

ગીત એક ગાયું ને વાચરે વાવ્યું
         કે છોડ એનો છુટ્ટો મેલ્યો રે લોલ!
પંખી એક આવ્યું ને આભ એવું ફાવ્યું
         કે ટહુકો ઉકેલિયો રે લોલ!
ફૂલ એક ફૂટ્યું ને લોચનિયે ચૂંટ્યું
         કે પાંખડી એવી ને એવી રે લોલ!
છલકીને છાઈ રહે વાયરે વેરાઈ રહે
         મીઠી અદીઠ ગંધ સ્હેવી રે લોલ!
સરવરને તીર સર્યા, સરવરને નીર તર્યા
         અમે કોરા ને છાંયડી ભીની રે લોલ!
તરુવરના તારલા ને આભલાનાં પાંદડાં
         બેઉની વાત એક વીણી રે લોલ!

(આ નભ ઝૂક્યું, પૃ. ૭૧)