અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/મંદિરમાં

મંદિરમાં

પ્રિયકાન્ત મણિયાર

         મંદિરના ચોકમાં એવી તે કાપ દીઠી રૂડી,
         હાથીના દાંતની સોને મઢેલ જાણે ચૂડી!

ચડતી પગથિયાં પ્રભુજીને વંદવા ટચલી આંગળિયે બાળ,
કંચનના કુંભમાં અમૃત ઊભરાય એની હળવેથી આવતો ઉછાળ!

તેડીને બાળને આછો રણકાર કીધો આઘેનું વાધ્યું કશું વ્યોમ,
આછેરી આંગળીથી ચોખાના સાથિયામાં પૂર્યા સૂરજ ને સોમ!

તાજાં તગર ફૂલ પોતે અણજાણ છે અડકીને આપતી સુગંધ,
જોડીને બેઉ હાથ બેસી ગોઠણિયે કરતી લોચનને બંધ!

એટલી તે વારમાં કોણ જાણે કેટલે એની કાયા તે ક્યાંય ર્‌હી ઊડી!
         મંદિરના ચોકમાં એવી તે કાય દીઠી રૂડી,
         હાથીના દાંતની સોને મઢેલ જાણે ચૂડી!