અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/સાંજ સમાનો દીપ

સાંજ સમાનો દીપ

પ્રિયકાન્ત મણિયાર

ઘરમાં ઊગ્યો મોગરો કે સાંજ સમાનો દીપ,
મોતી નીકળ્યું મૂલનું અળગી થાતાં છીપ!

પાણિયારે પોંખતી અજવાળાનો જીવ,
પારવતી જ્યમ પામતી સંતાયેલા શિવ!

એને તે અજવાળિયે નમણા જોઉં નાગ,
કંકુ કાયા રેલિયાં સમણાં જેમ સજાગ!

જલનું તાજું બેડલું ભર્યું નદીનું નીર,
જોવા ઝમતું બુંદથી રૂમઝૂમ દીપ અધીર!

સુખડ-સળીને પેટવી ઉપર ઊગતી વેલ,
મુજને મૂકી અલોપ થઈ પિયરિયાંની વ્હેલ!

દીવડી નાની તળાવડી વચમાં ઘીનું નીર,
ડોલે સોના-નાવડી રમતો જેમ સમીર!

પાલવ મારો પાથરી ભોંય લગાડું ભાગ,
વ્હાલા મારા રાખજો રતૂમડો સોહાગ!