અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/હાથી

હાથી

પ્રિયકાન્ત મણિયાર

અચિંત ક્યાંથી
અહીં આમ હાથી?
તે વૃદ્ધ
કો પર્વતના સરીખો!
વહ્યું જતું ક્યાં વટવૃક્ષ ઝૂલતું?
રિક્ષા અને મોટરની વચે વચે
સરી જતી સાઇકલથી લપાઈ
પોચા પડ્યા ડામરપંથની પરે
સુકાયલા કોઈક હાડકા શી
ચૂના સમી આ ઊડતી બપોરમાં
ધીરે રહીને પગલું શું પોચું
ધરે?
હવામાં દ્વય દંતુશૂલે
છિદ્રો પડે, આંખ અતીવ ઝીણી
મકાન ને માણસની છબીને
ઝીલે,
અર્ધી ઉઘાડી વળી બંધ એટલી
દુકાન ઢાંકે ખસ ટટ્ટી સુક્કી,
નિરાંતથી લેમન લોક પીતાં
હોટેલમાં ને ભણતાં સમે આ
નિશાળમાં તો સહુ છોકરાંઓ;
સિગારના ધૂમ્ર સમો વહી ગયો.