અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ફિલિપ ક્લાર્ક/ગીત (પાદર તળાવ…)


ગીત (પાદર તળાવ…)

ફિલિપ ક્લાર્ક

પાદર તળાવ ઘેઘૂર વડલાની ઼ડાળ
કોઈ મારામાં હીંચકાઓ ખાય છે;
લાગણીનું લખલખું એવં આવી જાય કે,
ના કહેવાય કે શું શું થાય છે
કોઈ મારામાં હીંચકાઓ ખાય છે.

ઓતરા ચીતરાના ઝીંકાતા તાપ,
હું તો પરસેવે રેબઝેબ થાતી
આયના સામે જતાં ગભરાતી એવી
કે ખુદમાં હું ખુદ ના સમાતી

એક પા ઊભી છે ઉંબરાની મરજાદ
બીજી પા સાદ સંભળાય છે
કોઈ મારામાં હીંચકાઓ ખાય છે.

અમથી લગરીક આડી પડું ને મને
સાંભરણની શરણાઈયું ઘેરતી
આંખમાં ઝૂરે અંજન અણસારના,
ઓરડે હું ઉદાસીઓ ઊછેરતી
ઝોકું આવું જાય કે ખાલી ચડી જાય કે
અમથીય અંગડાઈ આવી જાય છે
કોઈ મારામાં હીંચકાઓ ખાય છે.
(કવિતા, એપ્રિલ-મે)