અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /જીવતું મોત

જીવતું મોત

બળવંતરાય ક. ઠાકોર

સખે, ઉર થયેલ એક યમ વજ્ર-ઘાએ દ્વિધા
કરી, શકલ એકને ફગવતો ન દગ જાય જ્યાં.
રહ્યું શકલ તે યે તે ધ્રુજતું તંતુ તંતૂ વિશે,
વહે વખત કારમો ચમકમિશ્ર મૂર્છામહીં.
વહે વખતઃ પ્રાક્તન–સ્મરણ–સૂર જાગે, વધે. ૧૬૦

ખિલે, ઉર નિમંત્રતા અચુક એક ત્હારાભણી.
તું યે મનુજબાપડૂં સહજ ધર્મ પ્રીછંતું જે,
તણાઈ અહિં તે થકી સદય આર્ત્ત આવ્યા કરે.
ભલૂં તુજ હજો સદા,–દુખસમુદ્રના દ્વીપ હે,
સુશીતલ સુછાય ટ્ટ સજતો જ દુર્વાતણા,
અનેક ઋજુ બંકિમાં વહન ખાસ રેલાવતો,
મ્હને વિરમવા, મ્હને રુઝાવવા, મ્હને ઠારવા
નવા ઉજમથી મ્હને ફરિ ચડાવવા યૌવને.
સખે, વિરમ. બન્ધુતા પ્રકટિ જે મુછો ફૂટતાં,
ટકો તન ટકે જિહાં લગણ ત્યાં લગી આપણી.
વડીલ મુજ તાહરાં, તુજ વળી થયાં માહરાં,
તથૈવ શિશુ બેયનાં ઉભયનાં રહેજો બની.
વળી હિત વિશેષ મર્ત્ય જગમાહિ જે જે કંઈ
મળે ક્ષણિક, વા સવાક્ષણિક,–તે હજો તાહરાં!
શું કામ ચમકે, સખે! ફક્ત દાખવૂં છૂં ત્હને
પટાંતર વિમુક્ત, ધર્મ તુજ જેહ જોવા તણોઃ
મોત, જીવતું મોત, બેમાં વધુ વસમૂં કયૂં,
એ જ્ઞાનાગ્નિજ્યોત થકી ભલે ઉગર્યાં સખી! ૧૭૮