અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /પ્રેમની ઉષા

Revision as of 11:08, 19 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પ્રેમની ઉષા

બળવંતરાય ક. ઠાકોર

પાડી સેંથી નીરખી રહી’તી ચાંદલો પૂર્ણ કરવા,
ઓષ્ઠો લાડે કૂંજન કરતા, ‘કંથ કોડામણા હો,
વલ્લીવાયુ રમત મસતી ગૅલ શાં શાં કરે જો!’
ત્યાં દ્વારેથી નમી જઈ નીચો ભાવનાસિદ્ધિદાતા
આવ્યો છૂપો અરવ પદ, જાણે ચહે ચિત્ત સરવા,
— ને ઓચિંતી કરઝડપથી બે ઉરો એક થાતાં!
કંપી ડોલી લચી વિખરી શોભા પડી સ્કંધદેશે,
છૂટી ઊંચે વળી કરલતા શોભવે કંઠ હોંસે :
‘દ્હાડેયે શું?’ ઊચરી પણ મંડ્યાં દૃગો નૃત્ય કરવા,
‘એ તો આવ્યો કૂજન કુમળું આ મીઠું શ્રોત ભરવા.’
‘એ તો રાતો દિન ફરી ફરી ઉર ઊપડ્યા કરે છે.’
‘તોયે મીઠું અધિક ઉભયે કંઠ જ્યારે ભળે છે.’
ગાયું : પાયાં જિગરે જિગરે પેયૂષો સામસામાં,
ન્હૈ ત્યાં ચાંદા સૂરજ હજી, એ પ્રેમ કેરી ઉષામાં.

(ભણકાર, પૃ. ૧૯૭)