અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/અમાસની મધરાત

Revision as of 11:34, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)


અમાસની મધરાત

બાલમુકુન્દ દવે

         રમણે ચડેલ આજ ભાળી
મધરાત મેં તો રમણે ચડેલ આજ ભાળી;
         ભીલડી જુવાનજોધ કાળી,
મધરાત જાણે ભીલડી જુવાનજોધ કાળી!

દશે દિશા તે જાણે ઘાઘરાનો ઘેર એનો,
         ઠેકી ઠેકી લે તાળી;
આકાશી અતલસને તસતસતે કાપડે
         સંતાડી રૂપની થાળી!
મધરાત આજ રમણે ચડેલ મેં તો ભાળી.

નદીઓ ને નિર્ઝરનાં કડલાં ને કાંબીયું
         રણકાવે તાલસૂરવાળી!
ભોળા શંભુને જાણે ભોળવવા નીસરી
         કિરાતી કામણગારી!
મધરાત આજ રમણે ચડેલ મેં તો ભાળી,

સુખિયાં સંજોગિયાં તો હૂંફાળી નીંદમાં
         શાનાં જુએ તને કાળી?
બળતી આંખલડીએ બેસી વિખૂટાં બે
         ચકવા ને ચકવીએ ભાળી!
મધરાત આજ રમણે ચડેલ મેંય ભાળી!

(પરિક્રમા, ૧૯૬૮, પૃ. ૭૨)