અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/પૂછીએ કોને જઈને ?

From Ekatra Wiki
Revision as of 10:27, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> આ માટીમાંથી મ્હેક વૃષ્ટિની કેમ કરી ખોવાણી {{space}}— પૂછીએ કોને જઈને?...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આ માટીમાંથી મ્હેક વૃષ્ટિની કેમ કરી ખોવાણી
         — પૂછીએ કોને જઈને?
આ કલ કલ ડૂંડે દૂધ ફૉરતી નગરીઓ રોળાણી
         — પૂછીએ કોને જઈને?

         રમતિયાળ એ આંગણ પંખિલ
                  વાતી લહર ખણકતી,
         સાકરની કિંકણીઓ ખિલ ખિલ
                  ઘરની કુંજ રણકતી;
આ આભ તણી પાંપણ મધરાતી શ્રાવણ થઈ તોળાણી
                           — પૂછીએ કોને જઈને?

         થપ્પો રમતી હવા કેટલી
                  થાકી ગોતી ગોતી,
         દાવ-અધીરી ખડી એકલી
                  સાંઝ વાટ ર્‌હૈ જોતી;
આ અચમચ છોડી રમત, પાંખડી કયે દેશ પ્રોવાણી?
                           — પૂછીએ કોને જઈને?

         ઊગતી આથમતી હરિણીઓ
                  ફેરફુદરડી ફરતી,
         કલરવ કરતી સૌ પંખિણીઓ
                  નીડ વિશે જઈ ઠરતી;
આ હજીય ઊભી બારસાખમાં આંગળીઓ કોરાણી
                           — પૂછીએ કોને જઈને?