અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ પંડ્યા/ઊપડી ડમણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> દ્હાડી સાંજે સીમથી વળતું વાતનું રમ્ય ટોળું, વીંખી, લીધું ટીખળ મહ...")
(No difference)

Revision as of 11:31, 28 June 2021

દ્હાડી સાંજે સીમથી વળતું વાતનું રમ્ય ટોળું,
વીંખી, લીધું ટીખળ મહીંથી એક, પેલા કૂવાના
કાંઠે દીઠા કમનીય વળાંકો વીંટીને, નદીની
રેફૂડીની રમત બધી પાનેતરે ગોપવીને,
તોફાનોની ઢગલી અમથી એક નાની કરીને,
ઓગાળીને નયન ગમતીલાં, મજાકો વિખેરી,
માફાવાળી ડમણી નીકળી નૂર લૈ આંગણાનું!

સાંતી છોડી ગુસપુસ કરી ગોઠડી ભેરુ સંગે
મોં ભાળ્યાની ચગળી ચગળી, કોઈ મધ્યાહ્નવેળા
છાંયે બેસી ઝગતી બીડીનાં ગૂંથળાંમાં ધસંતું
શેઢે જોયું રૂપ ધૂમસિયું! આજ ગાડું ભરીને
સોડે બેઠું! રજનીભરનું રુક્ષ એકાંત લીલું
લીલું થાશે? મબલખ લણી પાક સૌ સોણલાંનો
માફાવાળી ઊપડી ડમણી ગામને ગોંદરેથી!

(અડોઅડ, ૧૯૭૨, પૃ. ૫૧)