અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ /આજ શ્રાવણની રાતના ગાજે

Revision as of 07:51, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આજ શ્રાવણની રાતના ગાજે

ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’

આજ શ્રાવણની રાતના ગાજે
         મેઘ — આડંબર ઘોર,
વીજનાં નૃત્યનાં ઝાંઝર બાજે
         નીર કરે મૃદ શોર.

રોતા હસી ગળકી ઊઠે મોર,
         એવી ઉર ધૂન રમી રહી ઓર!
ચાલ ને મનવા! ડુંગર ઊભાં
         પાય ચહે છે પ્રવાસ.

પાછળ નિષ્પથ જંગલ ઊભાં
         કંટકની ઉર પ્યાસ! —
હસી રહેશે લોહીના રેલા રમ્ય,
         સહાતી ના ઝંખના ઓ રે અગમ્ય!

હુડુડુડુ બારે મેઘ ગડૂડે,
         ધણણ ધ્રૂજે ભોમ,
ડુંગરા રૂખડા કંપતા દોડે,
         નદિયું ગાજે ઘઘોમ!

સબાકે વીજ જલે કોટિ સોમ,
         લાગી તેજઝાળ મારે રોમરોમ!
હજી ઘેરાજે હો મેહુલા! ઘેલા
         તાંડવમાં ચકચૂર.
આજે અંતર મુક્ત રોઘેલાં
         હસતાં ગાંડાતૂર!
આજ ભૂલી જા દૂર અદૂર
         રે, હો આજ લીન અબ પ્રલયપૂર!