અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/અદીઠો સંગાથ

અદીઠો સંગાથ

મકરન્દ દવે

પગલું માંડું હું અવકાશમાં,
                  જોઉં નીચે હરિવરનો હાથ,
અજંપાની સદા સૂની શેરીએ
                  ગાતો આવે અદીઠો સંગાથ —
                  જાગીને જોઉં તો કોઈ નથી એકલું.

ભયની કાયાને ભુજા નથી,
                  નથી વળી સંશયને પાંખ,
ભરોસે ચાલ્યા જે અનભે રંગમાં,
                  ફૂટી એને રૂંવે રૂંવે આંખ.
                  જાગીને જોઉં તો કોઈ નથી એકલું.

ઊંઘતાને માથે ઓળો મોતનો,
                  ઊંઘતાને પાયે જગની જેલ,
આઘાતે ભાંગે છે કોઈ અહીં ભોગળો,
                  ને આંસુડે વાવે છે અમરવેલ.
                  જાગીને જોઉં તો કોઈ નથી એકલું.

(સંગતિ, ૧૯૬૮, પૃ. ૧૧૦)