અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મગનભાઈ લાલભાઈ દેસાઈ ‘કોલક’/અમે કવિ ?


અમે કવિ ?

મગનભાઈ લાલભાઈ દેસાઈ ‘કોલક’

હવે ગગનગુંબજે કદી ન મીટ માંડી રહું :
ઝગે નભશિરે ભલે તગર પુષ્પ-શા તારલા,
શશી બદલતો ભલે રસિક રાશિના હારલા,
હવે નયન ઠારવા કશી ન વ્યોમલક્ષ્મી ચહું.

શમે હૃદયમાં ભલે અગણ ઊર્મિ ઊઠી વહી,
ભલે અનુપ કલ્પના પ્રકૃતિમંદિરો બાંધતી,
ઊડે નયનથી મહાતડિત-શી કલા સાધતી,
છતાં દઈશ કોઈને કવિપિછાન મારી નહીં.

મને ‘કવિ’ કહું? ન કો કવિ થયો જગે નિર્મળ,
અનંત ભુવને અનંત યુગથી કવે એકલ,
મહાજીવન સ્રોતની અગણ ઊર્મિમાલા તણી
અખૂટ રસપ્રેરણા, અમર વિશ્વકવિ ચેતન.
તરંગ ઊઠતા અમે સહુ તિહાં પ્રવાહે ક્ષણ
ઊઠી, ઊછળી ભાંગીએ અવરશક્તિ શી અમ તણી?

(આપણો કવિતા વૈભવ, સંપા. મનસુખલાલ ઝવેરી, પૃ. ૩૦૯)