અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ દેસાઈ/આભ

Revision as of 10:22, 23 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આભ

મણિલાલ દેસાઈ

આભને નહીં હોય રે આભની માયા
નહિ તો એ વેરાન કે વને, આવળ બાવળ ઝાડ કે જને
ડોળતું નહીં ર્હેય રે એની સોનલવરણી છાયા!
વાદળી જરાક ઝૂકતી જરાક ઝરતી ક્વચિત્ નાવ લઈને નિજની
ર્હેતી ક્ષિતિજતીરે ફરતી દિવસરાત,
ક્યારેક ખાલીખમ ને ક્યારેક ભરતું ચોગરદમ, બીડેલા રીસમાં
રાધાશ્યામના જેવા હોઠ તો જાણે માંડે ઝાઝી વાત!
ક્યાંક સમાવે પાંખમાં પવન, ક્યાંક પવનને પાંખમાં ભરી
આવતું તરી દૂરથી મૂકી દૂર રે એની કાયા!
ઊતરે જોઈ જલ ને રહે ઝૂકતું જોઈ થલ, જરામાં લાગતાં ઝોકો
વેરાઈ જતું માનવી મનેમંન;
નમતે પ્હોરે તળાવપાળે કૂવાથાળે ઊતરી બેસે ચકલાંટોળું,
લાગતું ત્યારે નભને જાણે ભીંજતું એનું તંન!
કોઈ વેળા વન ઝૂકતાં, ઝાડવાં તૂટતાં, બાગમાં છૂટતા ફૂલફુવારા
એની સાત સમુંદર તરતી ર્હેતી છાયા!
(રાનેરી, ૧૯૬૮, પૃ. ૬૧)