અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ દેસાઈ/કાપું છું એક વૃક્ષ ઊગી જાય જંગલો (જંગલો)


કાપું છું એક વૃક્ષ ઊગી જાય જંગલો (જંગલો)

મણિલાલ દેસાઈ

વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો,
મારા પ્રવાસમાંયે ભળી જાય જંગલો.

તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું?
કાપું છું એક વૃક્ષ ઊગી જાય જંગલો.

જો તું નથી તો થાય, અહીં કોઈ પણ નથી,
તુજ નામ આસપાસ ઊગી જાય જંગલો.

સૂકું જો ખરે પાન તો એની ખબર પડે,
વ્હેલી સવારે ઘરમાં ફરી જાય જંગલો.

લીલો અવાજ મોરનો હજુયે ઉદાસ છે —
એ સાંભળીને રોજ તૂટી જાય જંગલો.

ચાવું છું ભાન ભૂલી તણખલું હું ઘાસનું
ને મારે રોમ રોમ ઊગી જાય જંગલો.

લીલાં ને સૂકાં પાન ખરે છે ઉદાસીનાં
ને શૂન્યતાના ઘરમાં ઊગી જાય જંગલો.