અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/વૃક્ષ એટલે


વૃક્ષ એટલે

મણિલાલ હ. પટેલ

તું ય ઝાડને જોતાં શીખ
ચાંદા સૂરજ નક્ષત્રોની
ભાત ભરી છે એની ભીતર
એનામાં જે ઝરણાં વ્હેતાં જાદુગર છે
તું પણ એવું વ્હેતાં શીખ...

રોજ સવારે સૂરજ એની ડાળે બેસે
પવન પંખીની જેમ જ આવી —
ઋતુઓ એની ભીતર પેસે.
તગતગ તગતી રગરગ રગતી
બપોર એની માથે થોભે
ગાતાં પંખી ગુલાલ થાતાં
તરુ તરુ પર સાંજ સલૂણી શોભે!
નભ ને માટી કેવી રીતે રોજ મળે છેઃ
કૂંપળ કળીઓ એની કથા કહે છે!
તું પણ એવું કહેતાં શીખ...

અનરાધારે આભ વરસતું ઝીલે અંગેઅંગે
ફરતી ધરતી એના લયમાં —
રહે ખેલતા મરુત તરુ-વ્યાસંગે!
અંધારાના મખમલ સાથે
ચન્દ્રચાંદની શીતલ લૈને
કોને માટે વૃક્ષ છાંયડા ગૂંથે છે
આઠે પ્હોરે જાત ખીલવવા
એક પગે એ ઊભાં છે
ઋતુ ઋતુમાં ભળી જવાના
અડગ અટલ મનસૂબા છે
તું ય ઝાડમાં ભળતાં શીખ...
તા. ૧૫.૦૭.૨૦૧૩, ક્લીવલૅન્ડ; ૦૫.૦૮.૨૦૧૩ શિકાગો