અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનહર તળપદા/સાંજને ટાણે


સાંજને ટાણે

મનહર તળપદા

એક દી સમીસાંજને ટાણે,
આંખમાં આપણ ઓસરી ગયાં, કોઈ ના હજુ જાણે.

ખોઈ ભરેલી ઘાસની વાતો ઠાલવી દીધી સાવ
નેણનાં જળે નેહની ઓલી છલકી ઊઠી વાવ
હોઠના મૂંગા સ્પર્શો હજુ તોય ના ધરવ માણે!
એક દી સમીસાંજને ટાણે.

ભાન ભૂલેલી સીમના શીતળ છાંયડે ઊગ્યા શ્વાસ
શ્વાસની ભીતર ભીંસમાં પછી ક્યાંય ભાળ્યો અવકાશ?
કેટલી બધી પ્રીત વછૂટી મોલના દાણે દાણે!
એક દી સમીસાંજને ટાણે.