અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોજ ખંડેરિયા/દરવાજો ખોલ


દરવાજો ખોલ

મનોજ ખંડેરિયા

કૈં ઝળહળ ઝળહળ જેવું છે, દરવાજો ખોલ,
આ મરવું ઝાકળ જેવું છે, દરવાજો ખોલ.

બ્હાર પવન સુસવાતો એમાં ઊડી જાશે,
આ જીવતર કાગળ જેવું છે, દરવાજો ખોલ.

ખુલ્લાખમ આકાશ તળે બે શ્વાસ ભરી લે,
ઘર સમજણનું છળ જેવું છે, દરવાજો ખોલ.

તેજ હશે કે ઝરમર? સૌરભ? કોણ હશે આ?
કૈં નમણી અટકળ જેવું છે, દરવાજો ખોલ.

શબ્દો સાંકળ ખખડાવે છે કૈં વરસોથી,
લે કામ જરા પળ જેવું છે, દરવાજો ખોલ.
(અટકળ, પૃ. ૨)